છોટી કાશી બન્યું શિવમઈ : શિવાલયોમાં ભાવિકોની ભીડ
મહાશિવરાત્રી નિમિત્તે છોટી કાશી ગણાતા જામનગરમાં વહેલી સવારથી જ શિવાલયોમાં ભાવિકોની ભીડ જામી છે. જામનગરમાં રાજાશાહી વખતથી અનેક શિવાલયો આવેલા છે જેને લઇને જામનગરને લોકો છોટી કાશી તરીકે ઓળખે છે. જામનગર શહેરની મધ્યમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિર, સિધ્ધનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, હજારેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી છે. મહા શિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં જળાભિષેક, રુદ્રાભિષેક અને પૂજન અર્ચન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કાશી વિશ્વનાથ ની જેમ છોટી કાશી ગણાતા જામનગર માં આવેલ ચારે દિશા માં પ્રવેશ દ્વાર ધરાવતા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પણ સવારથી જ ભાવિકોની કતારો જોવા મળી હતી.