જામનગરમાં રહેણાંક મકાનમાં ધમધમતો શેરબજારનો ગેરકાયદે ડબ્બો ઝડપાયો

એલસીબીની ટીમે બાતમીના આધારે દિગ્વિજય પ્લોટના રહેણાંક મકાનમાં પાડ્યો'તો દરોડો : ટીવી, બે લેપટોપ અને રોકડ રૂા.33 હજાર સાથે ત્રણ શખસોની ધરપકડ, એક મહિલા સહિત છ ફરાર


જામનગર શહેરમાં છેલ્લા 8 વર્ષથી ગેરકાયદેસર રીતે ધમધમતો અને દરરોજ લાખો રૂપિયાનું ટ્રેડિંગ કરી પૈસાની હારજીત શેરબજારના સટ્ટા પર કરી રહેલા 3 શખસોને ગુરૂવારે એલસીબીએ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી પકડી પાડી આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સટ્ટામાં પ્રાથમિક રીતે પોલીસે 1 મહિલા સહિત 6 શખસોને ફરાર જાહેર કર્યા છે. પોલીસે લેપટોપ સહિતની સામગ્રી અને રોકડ કબજે કરી છે.


મળતી માહિતી મુજબ, જામનગર શહેરના 55 દિગ્વિજય પ્લોટમાં આવેલા નરેન્દ્ર નિવાસ નામના મકાનમાં વર્ષ 2014થી પોલીસની જાણકારી મુજબ શેરબજારનો ગેરકાયદેસર ડબ્બો ચાલતો હતો જેમાં લોકો ગેરકાયદેસર રીતે બિનઅધિકૃત માર્ગે શેરોનું લે-વેચના નામે સટ્ટો રમી દરરોજનું લાખો રૂપિયાનું ટર્નઓવર આમાં થતું હતું. એલસીબીના યશપાલસિંહ જાડેજા અને હરદીપસિંહ ધાધલને મળેલી બાતમીના આધારે પોલીસ શેરબજારના આ ડબ્બા પર ત્રાટકી હતી અને ત્યાં ટ્રેડિંગ કરી રહેલા નરેન્દ્ર વૃજલાલ સુમરીયા, બ્રિજેશ કિશોર પેથડ અને નીતિન શાંતિલાલ નાગડા નામના શખસોને પકડી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ટીવી, બે લેપટોપ, રોકડ રૂા.33 હજાર વગેરે કબજે કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં શેરબજારનો આ ગેરકાયદેસર ડબ્બો વર્ષ 2014થી ચાલતો હતો અને તેમાં લાખો રૂપિયાનું દરરોજ ટ્રેડિંગ ગેરકાયદેસર રીતે થતું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય છ શખસોના નામ ખુલ્યા છે. જેઓને ફરાર જાહેર કર્યા છે. જેમાં અભિષેક (રહે. નાગપુર), બિપીન, ભાવેશ, સુધીર, જીનલબેન અને કાનાભાઈ નામના શખસોને ગેરકાયદેસર ટ્રેડિંગ માટે ફરાર જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હજુ પણ પોલીસ લેપટોપને તપાસી રહી છે જેમાંથી કરોડોનો હિસાબ બહાર આવે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે.



Comments