જામનગરના દરેડ પાસે બાઈકચાલક આધેડને લૂંટી લેનાર સહકર્મી સહિત ત્રણની ધરપકડ
એલસીબીની ટીમે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી રોકડ અને મોબાઈલ તથા ગુનામાં વાપરેલું બાઈક કર્યું કબજે
જામનગર નજીક ખંભાળિયા બાયપાસ રોડ પર દરેડ પાસે પરમદિવસે રાત્રે લૂંટની વધુ એક ઘટના બનતાં ભારે દોડધામ થઈ હતી. એક વૃદ્ધ કારખાનામાંથી છૂટીને ઘેર આવી રહેલા બાઈક ચાલકને 3 અજાણ્યા શખ્સોએ અકસ્માત સર્જી પછાડી દઇ ઢોર માર માર્યો હતો અને રૂપિયા 14 હજારની રોકડ અને મોબાઈલ ફોન સહિતની સામગ્રી લુંટીને ભાગી છૂટયા હતા. જે ફરિયાદના બનાવ પછી પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં એલસીબી સ્ટાફના હરદીપભાઈ ધાંધલ, શિવભદ્રસિંહ જાડેજા અને ફિરોજભાઈ ખફીને સંયુક્ત રીતે ખાનગી બાતમીદારોથી ચોક્કસ બાતમી મળી હતી જેથી તેઓએ ગણતરીના કલાકોમાં જ ત્રણ શખ્સોને સકંજામાં લીધા હતા. જે પૈકી એક ભોગ બનનાર વૃદ્ધનો સહકર્મી હોવાનું સામે આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને દરેડ વિસ્તારમાં બલાર્ક નામના કારખાનામાં કામ કરતા કિરીટભાઈ પ્રેમજીભાઈ ચુડાસમા (ઉ.વ.62) નામના વૃદ્ધ ગત મંગળવાર રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં કારખાનેથી છુટીને પોતાના બાઈક ઉપર ઘર તરફ પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન ખંભાળિયા બાયપાસ રોડ ઉપર જુદાજુદા બે વાહનોમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ કિરીટભાઈના વાહનને ઠોકર મારી પછાડી દીધા હતા, અને 3 શખ્સોએ રોડથી નીચે લઈ જઈ વારાફરતી ઢોર માર માર્યો હતો. તેઓ પાસેથી રૂપિયા 14 હજારની રોકડરકમ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 28 હજારની માલ મત્તાની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા. જે બનાવ પછી કિરીટભાઈ ચુડાસમાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓએ પોતાને લૂંટી લેવા અંગે ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન ફરીયાદ નોંધાયા બાદ પંચકોશી બી. ડિવિઝનની ટિમ સાથે એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી, અને ફરિયાદી જે કારખાનામાં કામ કરે છે તેના સીસીટીવી કેમેરાઓની ચકાસણી કરવામાં આવતાં તેની સાથે જ કામ કરતો એક કર્મચારી કે જેણે પોતાના સાગરીતોની મદદથી આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણ આરોપી વિશ્વરાજસિંહ નટુભા જાડેજા (રહે.રામેશ્વરનગર, નંદનપાર્ક, જામનગર), ઇન્દ્રજિતસિંહ ભીખુભા ગોહિલ (રહે.રાંદલનગર, શાંતિનગર, જામનગર) અને ધ્રુવરાજસિંહ હરદેવસિંહ જાડેજા (રહે.રામેશ્વરનગર, માટેલ ચોક, જામનગર) વાળાને ઝડપી લઇ લૂંટના રોકડા રૂ.14,000 તથા મોબાઈલ ફોન નંગ-1 કિં રૂ.14,000 કબ્જે કર્યા હતા. જયારે કે લૂંટમાં ઉપયોગમાં લીધેલ ઍક્સેસ મોટરસાયકલ કિં.રૂ.30,000 તથા મો.ફોન-3 કિં.રૂ.15,000 મળી કુલ 45,000ના મુદ્દામાલ સાથે ત્રણેયની ધરપકડ કરી હતી.
Comments
Post a Comment