જામનગર જિલ્લામાં આગામી ૨૭ ફેબ્રુઆરીના રોજ મેગા પલ્સ પોલીયો રસીકરણ અભિયાન
જિલ્લાના ૦ થી ૫ વર્ષની ઉંમરના ૯૭,૨૪૩ બાળકોને પોલીયો રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવાશે
એક પણ બાળક પોલિયો રસીથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા ૬૩૫ બુથ, ૧૯૧ મોબાઈલ ટીમ તથા ૧૦ ટ્રાન્ઝીસ્ટ ટીમનું આયોજન કરાયુ જેમાં ૨૫૬૬ કર્મચારીઓ ફરજ બજાવશે
પોતાના ૫ વર્ષ સુધીના બાળકોને અચૂક પોલિયોના ટીપાં પિવડાવી પોલીયો નાબુદી અભિયાનમાં સહકાર આપવા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરાયો
જામનગર તા.23, સમગ્ર ભારત દેશમાંથી પોલીયોના રોગને નાબુદ કરવાનાં સરકારના અભિગમને સાર્થક કરવાના ભાગ રૂપે ચાલુ વર્ષે મેગા પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો રાઉન્ડ તા.૨૭ ફેબ્રુઆરી રવિવારના રોજ સમગ્ર ગુજરાત રાજયની સાથે જામનગર જિલ્લામાં પણ હાથ ધરવામાં આવનાર છે. જામનગર વહિવટી તંત્ર દ્વારા આ અભિયાનમાં જામનગર જિલ્લામાં ૦ થી ૫ વર્ષનાં ૯૭,૨૪૩ બાળકોને આવરી લેવાનો ધ્યેય નક્કી કરવામાં આવેલ છે. સમગ્ર જિલ્લામાં પોલીયોની રસીથી એક પણ બાળક વંચિત ન રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ ૬૩૫ બુથ, ૧૯૧ મોબાઈલ ટીમ તથા ૧૦ ટ્રાન્ઝીસ્ટ ટીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આરોગ્ય વિભાગનો સ્ટાફ, આંગણવાડી વર્કરો, પ્રાથમિક શિક્ષકો તથા અન્ય સ્ટાફ, સ્વયંસેવકો મળી કુલ ૨,૫૬૬ કર્મચારી, અધિકારીઓ ફરજ બજાવશે. પોલીયો રસીકરણના દિવસે વેકસીન બુથ પર સમયસર પહોંચાડવા માટે આરોગ્ય ખાતા તથા અન્ય સરકારી કચેરીના ૧૫ વાહનોના સંપાદનના હુકમો ઉપરાંત જિલ્લામાં આવેલ રીલાયન્સ પેટ્રોલીયમ લી., ન્યારા એનર્જી, જી.એસ.એફ.સી. તથા ડી.સી.સી. જેવી કંપનીઓને વાહનો ફાળવવા અનુરોધ કરી અભિગમને સાર્થક કરી પોલીયો રસીનો પુરતો જથ્થો તમામ આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડી તેની ગુણવતા (કોલ્ડ ચેઈન) જળવાઈ રહે તે માટે પગલાં લેવાનું આયોજન કરવામાં આવેલ છે.
પોલીયો રસીકરણ કાર્યક્રમમાં સંકલન જળવાઈ રહે તે માટે ગત ૨૨/૦૨/૨૨ ના રોજ જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રીકટ ટાસ્કફોર્સની બેઠક રાખવામાં આવેલ હતી. જેમાં બ્લોક હેલ્થ અધિકારીશ્રીઓ, નગરપાલીકાના ચીફ ઓફીસરશ્રીઓ, ઔધોગીક ગૃહ તથા સ્વૈછીક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહેલ હતા. જેમા કલેકટરશ્રી ડો.સૌરભ પારધી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલે તાલુકા વાર કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. તેમજ આ કાર્યક્રમ અન્વયે નાયબ કલેકટરશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને આ કામગીરીનું નિરીક્ષણ કરવા અને તાલુકા કક્ષાએ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રીને આ કામગીરી પરત્વે સતત મોનીટરીંગ અને માર્ગદર્શન આપવા જણાવ્યું હતુ. ગ્રામ્ય કક્ષાએ લોકોમાં પોલીયો નાબુદી કાર્યક્રમ અંગે જાગૃતી આવે તે માટે ભીંત સુત્રો, માઈક પ્રચાર, પત્રિકા વિતરણ, કેબલ ઓપરેટર દ્વારા પ્રચાર પ્રસાર, પોસ્ટર, બેનર્સ, નિમંત્રણ કાર્ડ તથા મહિલા સ્વાસ્થ્ય સંઘો, આંગણવાડી કાર્યકરો દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી કરવા અંગેનુ પણ આયોજન ઘડી કાઢવામા આવ્યુ હતુ.
આ ઉપરાંત ગ્રામ્ય તેમજ વાડી વિસ્તારના તેમજ ઇંટોના ભઠ્ઠા પર, રોડ સાઈડ કે ઝુંપડપટ્ટી અને છુટીછવાઈ વસ્તીના નવજાત શિશુ તથા પ વર્ષ સુધીના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવા તેમજ ગ્રામ પંચાયતના ચુટાયેલા સભ્યોને બાળકોને સમયસર બુથ પર મોકલવા માટે જરૂરી સહકાર આપવા પણ જિલ્લા કલેકટરશ્રી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી હતી. પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમ દ્વારા આરોગ્ય સુધારણાનો અને તંદુરસ્ત બાળકોનો સમાજ ઉભો કરવાનો અભિગમ છે. બાળકો માટેના પોલીયો નાબુદી મહાઅભિયાન દ્વારા આપના વિસ્તાર તથા ગામોના ૫ વર્ષ સુધીના તમામ બાળકોને આ કાર્યક્રમ હેઠળ આવરી લઈને આરોગ્ય વિભાગના તેમજ અન્ય વિભાગનાં કર્મચારીઓ, અધિકારીઓને સંપૂર્ણ સાથ સહકાર આપી પલ્સ પોલીયોની કામગીરી ૧૦૦ ટકા થાય તે માટે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા તથા જાહેર આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી શ્રી જગદીશભાઈ સાંગાણી દ્વારા પણ અનુરોધ કરાયો હતો. પોતાના પાંચ વર્ષ સુધીના બાળકોને પોલીયો રસીકરણના દિવસે અચુક પોલીયોની રસીનાં ટીપા પીવડાવી પોલીયો નાબુદી અભિયાનમાં સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભારતીબેન ધોળકીયા તથા જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. નુપુર પ્રસાદ દ્વારા પણ નગરિકોને અપીલ કરવામા આવી છે.
Comments
Post a Comment