જામનગરમાં ગુંજ્યું ‘જિંદગી ઝિંદાબાદ’: કેન્સરને હરાવનારા અસલી ‘ધુરંધરો’નું આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા ભવ્ય સન્માન

જામનગર: કહેવાય છે કે ‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી’. આ વાતને સાર્થક કરી બતાવી છે એવા સેંકડો કેન્સર વિજેતાઓએ, જેમના સંઘર્ષ અને વિજયને વધાવવા માટે ગત રવિવારે જામનગરની આયુષ કેન્સર હોસ્પિટલ ખાતે એક ભાવસભર કાર્યક્રમ ‘કેન્સરના અસલી ધુરંધર’ યોજાઈ ગયો. વિશ્વ કેન્સર દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત આ સમારોહમાં જ્યારે કેન્સર સામે જંગ જીતનારા વિજેતાઓ મંચ પર આવ્યા, ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.

સવારે 9:00 થી 12:00 વાગ્યા સુધી આયુષ કેન્સર હોસ્પિટલ ખાતે યોજાયેલા આ સમારોહમાં 170 થી વધુ કેન્સરના ધુરંધરો, 300 થી વધુ તેમના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં શહેરી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ જીવન પ્રત્યેના વિશ્વાસ અને હકારાત્મકતાનો ઉત્સવ બની રહ્યો હતો. આ પ્રસંગે કેન્સર વિજેતા ધુરંધરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન અનેક ધુરંધરોએ પોતાના રોગ દરમિયાનનો અનુભવ, સહન કરેલી તકલીફો, સંઘર્ષ અને હોસ્પિટલ તરફથીમળેલા પારિવારિક સહયોગ વિશે વાત કરતા સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું.

હાલાર પંથકમાં વર્ષ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલ અનેક પરિવારો માટે આશાનું કેન્દ્ર બની છે. ઉપલબ્ધ માહિતી મુજબ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 1000થી વધુ દર્દીઓને રેડિયેશન થેરાપી (શેક), 5000થી વધુ દર્દીઓને કીમોથેરાપી (ડોઝ) અને ૫૦૦થી વધુ જટિલ કેન્સર સર્જરીઓ આયુષ્યમાન કાર્ડ અંતગર્ત સફળતાપૂર્વક નિઃશુલ્ક કરવામાં આવી છે.

આજે પણ કેન્સરની સારવાર લાંબી અને ખર્ચાળ હોય છે, ત્યારે આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર કે દૂરથી આવતા દર્દીઓ માટે હોસ્પિટલ કેમ્પસમાં જ રહેવા તથા જમવાની ઉત્તમ સુવિધા તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. હાલમાં પણ અનેક દર્દીઓ આ સુવિધાનો લાભ લઈને ઘર જેવી હૂંફ વચ્ચે કેન્સર સામે લડી રહ્યા છે. 

એક કેન્સરના અસલી ધુરંધરે લાગણીસભર સ્વરે કહ્યું કે,

જ્યારે મારી સારવાર શરૂ થઈ ત્યારે મને બહુ ડર લાગતો હતો. ઘરની ચિંતા, પરિવારની ચિંતા - બધું મનમાં ચાલતું હતું. ડૉક્ટરોએ મને કહ્યું કે મારા કેન્સરની સારવાર માટે રેડિયેશન લેવું પડશે. રોજ રેડિયેશન માટે હોસ્પિટલ આવવું પડે એમ સાંભળીને હું વધુ ગભરાઈ ગયો, કારણ કે હું ગામથી આવું છું અને હોસ્પિટલ દૂર છે.

પણ જ્યારે મારી સારવાર આયુષ કેન્સર હોસ્પિટલમાં શરૂ થઈ, ત્યારે ધીમે ધીમે મારો ડર ઓછો થતો ગયો. અહીંના ડૉક્ટરોએ સરળ ભાષામાં બધું સમજાવ્યું અને હિંમત આપી. સ્ટાફે પણ ખૂબ સારું વર્તન કર્યું. હસતાં મોંઢે સેવા આપી અને ક્યારેય એકલું લાગવા દીધું નહીં.

રોજ ગામથી આવવું જવું મુશ્કેલ હતું. એ માટે હોસ્પિટલે અમારા જેવા દૂરથી આવતા રેડિયેશનના દર્દીઓ માટે નિઃશુલ્ક રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી. મને અને મારી સાથે આવેલા એક પરિવારના માણસને હોસ્પિટલમાં જ નિઃશુલ્ક રૂમ અને ભોજન મળ્યું. આથી રોજની દોડધામ અને ખર્ચ બન્ને બચ્યાં. શરીરને આરામ મળ્યો અને હું શાંતિથી સારવાર લઈ શક્યો.

આ બીમારીએ મને અંદરથી મજબૂત બનાવ્યો છે. હવે હું ડરતો નથી. હવે મને વિશ્વાસ છે કે હું લડી શકું છું.

આયુષ કેન્સર હોસ્પિટલનો દિલથી ખૂબ ખૂબ આભાર. 

આ સમગ્ર કાર્યક્રમનો સ્પષ્ટ સંદેશ હતો કે કેન્સર સામેની લડત કોઈ એક વ્યક્તિની નથી. તે સમાજ, પરિવાર અને સમયસર સારવાર સાથે મળીને જીતી શકાય છે. જામનગરમાં યોજાયેલો આ કાર્યક્રમ આશા, હિંમત અને જીવનની જીતનો પ્રતીક બન્યો હતો.

Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.