ખુશીની ખુશીનો આધાર બન્યો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ.
જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ૨ મહિનાની બાળકી ખુશીના ત્રાંસા પગનું વિનામૂલ્યે કરાયું સફળ ઓપરેશન
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ખેતીકામ કરતા પ્રવીણભાઈ જાદવના ઘરે ૨૪ જૂન, ૨૦૨૪ના રોજ દીકરી ખુશીનો જન્મ થયો હતો. જન્મ સમયે તેનું વજન ૨.૮ કિલોગ્રામ હતું. બાળકીને જન્મથી જ જમણા પગમાં ક્લબ ફૂટ એટલે કે જન્મજાત પગની ખોડખાંપણ હતી. ધ્રોલની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમની ટીમ દ્વારા બાળકની પ્રાથમિક મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્રાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જોડિયાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સોમૈયાના માર્ગદર્શન હેઠળ RBSK ટીમના ડો.સેજલ કરકર અને તેમની ટીમે બાળકીની ગૃહ મુલાકાત લીધી.પરિવાર ખુબ જ ચિંતિત હતો, પરંતુ ડોક્ટરોએ તેમને સમજાવ્યું કે આ જન્મજાત ખામીની સારવાર શક્ય છે અને ગભરાવાની જરૂર નથી. તેમણે ખાતરી આપી કે બાળક અન્ય બાળકોની જેમ ચાલી શકશે.
વિનામૂલ્યે સારવાર મળતા ખુશીને મળ્યું ઉજ્જવળ ભવિષ્ય
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા સંદર્ભ કાર્ડ ભરીને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે બાળકીને રિફર કરવામાં આવી. ડોક્ટરો દ્વારા સારવાર વિશે સમજાવવામાં આવ્યું, સારવાર અંતર્ગત બે મહિના સુધી દર અઠવાડિયે પ્લાસ્ટર કરવામાં આવ્યું. આ સારવાર ૦૯ જુલાઈ, ૨૦૨૪ થી ૨૬ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી ચાલી. ત્યારબાદ નિષ્ણાત ડોકટરો દ્વારા ખૂબ જ કુનેહથી ટીનોટોમી (પગની સર્જરી) કરવામાં આવી. બે દિવસ દાખલ રાખીને બાળકીને રજા આપવામાં આવી અને પગના શુઝ આપવામાં આવ્યા, તેમજ સમયાંતરે ફોલોઅપ અને તપાસ કરવામાં આવી.
ઓપરેશન બાદ RBSK ટીમ, જેમાં ડો.સેજલ કરકર, ડો. દેવજી નકુમ, એફ.એચ.ડબલ્યુ બંસી ડાંગર, એમ.પી.ડબલ્યુ આનંદભાઈ અને ગામના આશા વર્કર દિવ્યાબેનનો સમાવેશ થાય છે, કે જેઓએ વારંવાર બાળકીની મુલાકાત લીધી અને તેના માતા-પિતાએ જણાવ્યું કે બાળકને ખૂબ સારું છે અને ઓપરેશન તથા સારવાર બાદ બાળકના પગમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ખાનગી હોસ્પિટલમાં ટીનોટોમી ઓપરેશનનો અંદાજિત ખર્ચ ૨૫,૦૦૦ રૂપિયા, એક પ્લાસ્ટરનો ખર્ચ ૨ થી ૩ હજાર રૂપિયા અને પગના શુઝનો ખર્ચ ૪ થી ૫ હજાર રૂપિયા જેટલો થતો હોય છે. જોકે, જી.જી.હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના સંદર્ભ કાર્ડ હેઠળ સમગ્ર ઓપરેશન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવી.આ પહેલથી ખુશીને સામાન્ય જીવન જીવવાની તક મળી છે, જે તેના પરિવાર માટે અનમોલ ભેટ સમાન છે.
ખુશીના સફળ ઓપરેશન થકી RBSK કાર્યક્રમની સફળતા એ દર્શાવે છે કે સરકારની આરોગ્ય યોજનાઓ ખરેખર જરૂરિયાતમંદ પરિવારો માટે કેટલી લાભદાયી છે. આ માત્ર એક બાળકીના જીવનમાં આવેલો સુધારો નથી, પરંતુ આવા અનેક બાળકો માટે આશાનું કિરણ છે.
Comments
Post a Comment