જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વોકાથોનનું આયોજન કરાયું.
૧.૬૦ કી.મી.ની વોકાથોનમાં જિલ્લા પોલીસ તથા હોમગાર્ડ્સના જવાનો, NCC કેડેટ્સ અને રમતગમતના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો
જામનગર તા.29 મે, તા. ૫મી જૂન, જેને દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે નિમિત્તે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ ની થીમ ‘Ending Plastic Pollution Globally’ ને કેન્દ્રમાં રાખી વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે, તા. ૨૨/૦૫/૨૦૨૫ થી તા.૦૫/૦૬/૨૦૨૫ સુધી જિલ્લામાં વિવિધ પર્યાવરણ લક્ષી કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાયુ છે.જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫’ ની ઉજવણી અને પ્લાસ્ટિક પ્રદુષણ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા તેમજ તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણ જાગૃતિ માટે એક વિશેષ વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વોકાથોન અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન જામનગરથી શરૂ થઈ ટાઉનહોલ, તીન બત્તી ચોક, લીમડા લેન થઈને ફરીથી અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગર ખાતે સંપન્ન થઈ હતી. કુલ ૧.૬૦ કી.મી.ની આ વોકાથોનમાં જિલ્લા પોલીસના જવાનો, હોમગાર્ડ્સ જવાનો, NCC કેડેટ્સ અને રમતગમતના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. આ વોકાથોન મારફત નાગરિકોને Single Use Plastic ની વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.સાથે જ વોકાથોનમાં સામેલ તમામ લોકોને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ભાવેશ રાવલીયા દ્વારા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવા બાબતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
Comments
Post a Comment