જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ.
ચોમાસાને કારણે થતી જાન-માલની નુકસાની અટકાવવા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સંલગ્ન વિભાગોને સૂચના આપતાં જિલ્લા કલેક્ટરશ્રી
આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને જિલ્લામાં ઓછામાં ઓછી જાન-માલની નુકસાની થાય અને જનજીવન અસરગ્રસ્ત ન બને તે હેતુથી જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટશ્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાને કારણે થતી જાન-માલની નુકસાની અટકાવવા માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા તથા ચોમાસાને સંલગ્ન જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચના આપી હતી.તેમણે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાઈ રહેલ કામગીરીની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી.કલેક્ટરશ્રી દ્વારા બચાવ અને રાહત કામગીરી માટે રેસ્ક્યુ, સર્વે તથા સર્ચ ટીમો તૈયાર રાખવા, આશ્રય સ્થાનોની વ્યવસ્થા કરવા, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સ્વયંસેવકોની યાદી બનાવવા, તરવૈયાઓ અને આપદા મિત્રોની યાદી તૈયાર રાખવા સૂચના આપવામાં આવી હતી.
સાથે જ પાણી નિકાલના માર્ગ પરના અવરોધો દૂર કરવા અને પાણીના પ્રવાહની તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં જાણ કરી શકાય તે હેતુથી વોર્નિંગ સિસ્ટમ અમલમાં મૂકવા સૂચન કરવામાં આવ્યું. દરેક ગામોની સંપર્ક યાદી બનાવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પણ જણાવાયું હતું.ચોમાસા દરમિયાન આરોગ્ય અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે DDT છંટકાવ, વોટર ક્લોરીનેશન તેમજ જરૂરી દવાઓનો જથ્થો અનામત રાખવા અને માનવ કે પશુ મૃત્યુના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.સાથે વિસ્તારોમાં વીજ પુરવઠો જળવાઈ રહે તેની તકેદારી રાખવા અને સંચાર વ્યવસ્થા સક્રિય રાખવા માટે સૂચનો અપાયા હતા.
કલેક્ટરશ્રીએ જર્જરિત ઇમારતો તથા ભયજનક વૃક્ષો દૂર કરવા, દરિયાકાંઠે જરૂરી સિગ્નલો લગાવવા અને રેસ્ક્યુ માટેના વાહનોની યાદી બનાવવા જણાવ્યું હતું.તેમજ બુલડોઝર, જે.સી.બી., ટ્રક સહિતના જરૂરી સાધનો તૈયાર રાખવા સંબંધિત વિભાગોને સૂચના અપાઈ હતી.
જિલ્લા કલેકટશ્રીએ ઉપસ્થિત તમામ વિભાગોના અધિકારીઓને સંકલનમાં રહીને કામગીરી કરવા અને કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ રહેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર, સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment