મોદી કેબિનેટના દેશની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો
મોદી કેબિનેટે આજે દેશની સુરક્ષાને લઈને ઘણા મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કેબિનેટે ભારત-ચીન સરહદ પર તૈનાત ITBP માટે 9,400 જવાનોની ઓપરેશનલ બટાલિયન સાથે સાત નવી બટાલિયનને મંજૂરી આપી છે.
ટનલના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી
આ સિવાય કેબિનેટની બેઠકમાં ટનલના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ ટનલના નિર્માણથી લદ્દાખ સાથે તમામ હવામાનમાં રોડ કનેક્ટિવિટીની સુવિધા મળશે. ટનલની લંબાઈ 4.8 કિલોમીટર હશે, જેના પર 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ટનલના નિર્માણથી દુર્ગમ વિસ્તારોમાં સુધીની કનેક્ટીવીટી વધશે.
વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને પણ મંજૂરી આપી
કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને પણ મંજૂરી આપી દીધી છે. નાણાકીય વર્ષ 2022-23થી 2025-26 માટે આ કાર્યક્રમ માટે 4800 કરોડ રૂપિયાની નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દેશની સરહદોને મજબૂત કરવા કેન્દ્ર સરકાર વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ લાવી છે. આ અંતર્ગત દેશની ઉત્તરી સરહદો પર આવેલા ગામડાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે. લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના 19 જિલ્લાના 2966 ગામોમાં રોડ, વીજળી જેવી માળખાકીય સુવિધાઓને મજબૂત કરવામાં આવશે.
બે લાખ સહકારી મંડળીઓની રચના કરવામાં આવશે
આ સિવાય કેબિનેટે દેશમાં સહકારી ચળવળની પાયાના સ્તર સુધી પહોંચને મજબૂત કરવા માટે સમિતિઓની રચનાને પણ મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં બે લાખ બહુહેતુક ડેરી, મત્સ્યઉદ્યોગ સહકારી સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

Comments
Post a Comment