ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનીને દેશના ખેડૂતોને પ્રેરિત કરશે - રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

 • રાસાયણિક કૃષિના દુષ્પરિણામો થી દેશને મુક્ત કરવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે: પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી

આત્મનિર્ભર ખેડૂત અને આત્મનિર્ભર રાષ્ટ્રના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રીનો અનુરોધ

ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને સમુધ્ધ ભારતનું નિર્માણ કરે 

કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જામનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ કરતા રાજ્યપાલશ્રી

પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલની મુલાકાત લઈ ખેડુતોની આત્મ નિર્ભરતામાં સહયોગી બનવા અપીલ કરતા રાજ્યપાલશ્રી તથા કૃષિમંત્રીશ્રી

જામનગર, તા. ૩૦ એપ્રિલ – ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જામનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનીને દેશના ખેડૂતોને પ્રેરિત કરશે. તેમણે જણાવ્યું હતું કે, અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્તિ અપાવી એજ રીતે જનશક્તિના સામર્થ્યથી રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી દેશને મુક્તિ અપાવવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે.

જામનગર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જિલ્લા પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ કરાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી ત્રસ્ત છે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં ૨૪ % જેટલો ફાળો રાસાયણિક કૃષિનો છે, રાસાયણિક ખાતર અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થઇ રહ્યા છે. જમીનની ફળદ્રુપતા ઘટતા જમીન બંજર બની રહી છે. રાસાયણિક કૃષિથી ઉત્પન્ન થતાં દુષિત ખાધાન્નના કારણે લોકો કેન્સર, ડાયાબિટિસ, હૃદયરોગ જેવા અસાધ્ય રોગોના ભોગ બની રહ્યા છે, રાસાયણિક કૃષિમાં દિન-પ્રતિદિન કૃષિ ખર્ચ વધતો જાય છે અને ઉત્પાદન ઘટતું રહ્યું છે, સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. રાસાયણિક કૃષિના આ દુષ્પરિણામોમાંથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ એક મજબૂત વિકલ્પ હોવાનું રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.

પ્રાકૃતિક કૃષિથી અનેક લાભ મળે છે તેની વિગતો આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ થી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. એક દેશી ગાયની મદદથી ૩૦ એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે તેના કારણે કૃષિ ખર્ચ નહિવત થાય છે અને ઉત્પાદનમાં ઘટાડો થતો નથી. પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત કૃષિ પેદાશોના ભાવ પણ પ્રમાણમાં વધુ મળે છે અને સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી એમ સ્પષ્ટ જણાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિના બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, વાપ્સા, મલ્ચીંગ અને મિશ્ર પાકના સિદ્ધાંતને અનુસરીને પૂર્ણ વિધિથી પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો ઉત્પાદન ઘટતું નથી પરંતુ જમીનના ઓર્ગેનિક કાર્બનમાં એક જ વર્ષમાં નોંધપાત્ર વધારો થાય છે, જમીન ફળદ્રુપ બને છે અને ઉત્પાદનમાં વધારો થાય છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂત મનોજભાઈ સોલંકી અને આશાપુરા ફાર્મના હરીશભાઈ ઠક્કરનું ઉદાહરણ આપતા રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, ૪૦૦ એકર ફાર્મમાં પ્રાકૃતિક કૃષિ અપનાવીને હરીશભાઈએ એક જ વર્ષમાં ઉત્પાદનમાં ૧૫ ટકાનો લાભ મેળવ્યો હતો એટલું જ નહીં ખાતર અને જંતુનાશક દવાઓનો રૂપિયા એક કરોડ સુધીનો ખર્ચ તેઓ બચાવી શક્યા છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર પાછળ કેન્દ્ર સરકાર ૧ લાખ ૬૦ હજાર કરોડ રૂપિયાની સબસીડીનો આર્થિક બોજો વહન કરે છે.


રાજ્યપાલશ્રીએ જૈવિક કૃષિ એટલે કે ઓર્ગેનિક કૃષિથી પ્રાકૃતિક કૃષિને તદ્દન અલગ ગણાવી ઉમેર્યું હતું કે, જૈવિક કૃષિમાં વિદેશી અળસિયાનો ઉપયોગ થાય છે, તેમાં મલ્ચીંગની વ્યવસ્થા નહીં હોવાથી નિંદામણની સમસ્યા રહે છે, ખેડૂતોના કૃષિ ખર્ચમાં ઘટાડો થતો નથી. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ-ગૌમૂત્ર, બેસન, ગોળ અને માટીની મદદથી બનતા જીવામૃત અને ઘનજીવામૃતથી જમીનમાં અળસિયા અને મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે, જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વૃદ્ધિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદાન એટલે કે મલ્ચીંગના મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે, મલ્ચીંગથી જમીનને ઊંચા તાપમાન સામે રક્ષણ મળે છે અને જમીનનો ઓર્ગેનિક કાર્બન હવામાં ઊડી જતો નથી. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાય છે જેનાથી પ્રાકૃતિક ખેતીમાં પાણીની ૫૦ ટકા જેટલી બચત કરી શકાય છે. મલ્ચીંગથી નિંદામણની સમસ્યાથી મુક્તિ મળે છે અને અળસિયા જેવા મિત્ર જીવોને વધુ કાર્ય કરવાનું વાતાવરણ મળી રહે છે.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવાના ઈશ્વરીય કાર્ય તરીકે ગણાવીને વધુને વધુ ખેડૂતો આ કૃષિ પદ્ધતિ સાથે જોડાય અને આત્મનિર્ભર ખેડૂત, આત્મનિર્ભર કૃષિ થી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સૌ યોગદાન આપે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો

પ્રાકૃતિક કૃષિ શિબીરના શુભારંભ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કહ્યૂં હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જામનગરના દરેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવાનો જિલ્લા વહીવટી તંત્રનો પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે.

આ પ્રસંગે કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ધરતી પુત્રોને પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી આપી ખેડૂતોને આ દિશામાં પ્રયાણ કરી સમૃદ્ધ ભારત બનાવવા આહવાન આપ્યું હતું. આ ઉપરાંત,  પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને સમજાવી હતી અને પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના પ્રદર્શનમાં સહભાગી થવા બદલ આભાર માન્યો હતો. જામનગરના  આત્મા પ્રોજેક્ટની પ્રશંસા કરી, જામનગર જિલ્લા પંચાયત દ્વારા પ્રાકૃતિક કૃષિ સાથે વધુમાં વધુ ખેડૂતોને જોડવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. જ્યારે રાજ્ય સરકાર ખેડૂતો માટે વાવેતરથી લઈને ટેકાના ભાવ આપવા સુધીની તમામ મદદ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, જગતના તાત પ્રાકૃતિક ખેતી અપનાવીને વિદેશી ખાતરોની આયાત પાછળ થતો ખર્ચ બચાવી શકે છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું  કે, રાસાયણિક ખાતરમાં સબસીડી ચુકવવા માટે કેન્દ્ર સરકાર મોટો ખર્ચ કરે છે, જેનો દેશ પર આર્થિક બોજો વધે છે. 

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ  અપનાવતા થાય તેવા શુભાશયથી જિલ્લા પંચાયત જામનગર દ્વારા જિલ્લાની ૪૧૭ જેટલી ગ્રામ પંચાયતોને વિવિધ ૮૬ જેટલા ક્લસ્ટરમાં સમાવિષ્ટ કરીને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી આપી હતી.

આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિના અમલીકરણ દ્વારા ઉત્પાદિત જુદી જુદી ખેત પેદાશો અંગેનું પ્રદર્શન તથા વેચાણ માટે પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન સ્ટોલનો શુભારંભ રાજ્યપાલશ્રીના હસ્તે કરવામાં આવ્યો હતો. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા જુદા જુદા ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાકૃતિક કૃષિના ઉપયોગ થકી થયેલા ઉત્પાદનો જેવાકે, ઘઉં, બાજરી, બાજરો, ચણા, વટાણા, રાગી, મગફળી, તેલીબીયા, શાકભાજી સહિતની અનેક ખેત પેદાશોનું રાજ્યપાલશ્રી તથા કૃષિમંત્રીશ્રીએ જાતનિરીક્ષણ કર્યું હતું તથા સ્ટોલ માલીકો સાથે રૂબરૂ સંવાદ કરીને માહિતી મેળવી હતી.  

ખેડૂતોએ પોતાના ખેતરે તૈયાર કરેલ પ્રાકૃતિક પેદાશો લોકો વધુમાં વધુ ખરીદી કરે જેથી લોકોની આરોગ્ય સુખાકારી જળવાય અને ખેડુતની આત્મનિર્ભરતામાં સહયોગી બની શકાય તેવા શુભાશયથી જામનગર જિલ્લાની જાહેર જનતાને આ પ્રદર્શન તથા વેચાણ સ્ટોલની મુલાકાત લેવા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી ધરમેન્દ્રસિંહ જાડેજા, મેયર શ્રી બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશી ચનીયારા, પૂજ્ય શ્રી દેવપ્રસાદજી મહારાજ, નવતનપુરી ધામના મહંતશ્રી, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર અધ્યક્ષ વિમલભાઈ કાગઠરા, પૂર્વ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા,  પ્રભારી સચિવ શ્રી નલિન ઉપાધ્યાય, જામનગર મહાનગરપાલિકા કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાયજાદા, જિલ્લા ખેતીવાડીના અધિકારીશ્રીઓ, આત્મા પ્રોજેકટના ડાયરેક્ટર શ્રી તથા અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.