વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસનું જામનગર એરપોર્ટ સ્ટેશન પર કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવો દ્વારા કરાયું ભાવભીનું સ્વાગત
જામનગર તા. ૧૯ - જામનગર ખાતે WHO અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનો શિલાન્યાસ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેઓ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આજે બપોરે આવી પહોંચતા તેમનું સ્વાગત કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ કર્યું હતું. તેમજ આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ પણ જોડાયા હતા. ત્યારબાદ WHO ના ડાયરેક્ટર જનરલ એરફોર્સથી સભાસ્થળે પહોંચવા રવાના થયા હતા. આ દરમિયાન જામનગર વાસીઓએ તેમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે પરંપરાગત વસ્ત્રોમાં રાસ ગરબા અને વિવિધ કૃતિઓ તેમની સમક્ષ રજૂ કરી હતી. ડો. ટેડ્રોસનું પુષ્પવર્ષાથી પરંપરાગત સ્વાગત કરી તેમને વધાવ્યા હતા. આ તકે જામનગર વાસીઓ પણ તેમના અભિવાદન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા.
જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિંદ જુગનૌથને આવકારતા આરોગ્ય
મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્રની ઝાંખી કરાવતો ભવ્ય રોડ શો માણતા મોરેશિયસના વડાપ્રધાન ઠેરઠેર પુષ્પ વર્ષા અને ફ્લેગ દર્શાવી કરાયું અભિવાદન
જામનગર તારીખ ૧૯ ;- જામનગર ખાતે આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રનો શિલાન્યાસ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પણ ખાસ જોડાયા હતાં. મોરેશિયસના વડાપ્રધાનશ્રી પ્રવિંદ એરફોર્સ સ્ટેશન ખાતે પધારતા તેમનું રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ એ સ્વાગત અભિવાદન કર્યું હતું. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિંદ એરફોર્સથી બહાર નીકળતા તેમના અભિવાદન માટે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાતીગળ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી આપણી સંસ્કૃતિના દર્શન તેમને કરાવ્યા હતા. પ્રધાનમંત્રીશ્રી પ્રવિંદનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરતા વિવિધ સ્ટોલ સાથે દુહા-છંદ અને દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા. આ તકે મોરેશિયસના વડાપ્રધાન સાથે આવેલ તેમનું ડેલિગેશન પણ આ અદકેરા સ્વાગતથી ભાવવિભોર બની ગયું હતું.
Comments
Post a Comment