રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાઇરેક્ટર પરિમલભાઈ નથવાણીનો આજે જન્મદિવસ.
પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાઇરેક્ટર (કોર્પોરેટ અફેર્સ ) છે અને YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ તરીકે રાજ્ય સભામાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે. જૂન 2020માં આંધ્ર પ્રદેશમાંથી રાજ્ય સભાના સાંસદ તરીકે ચૂંટાતા પહેલા તેઓ સતત બે ટર્મ (2008થી 2020 સુધી) ઝારખંડમાંથી રાજ્ય સભાના અપક્ષ સાંસદ રહી ચુક્યા છે.
શ્રી નથવાણી RILના ચેરમેન અને MD મુકેશ અંબાણીની કોર ટીમના મહત્વના સભ્ય તરીકે જાણીતા છે. રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીને તેઓ પોતાના ગુરુ અને આદર્શ માને છે. ગુજરાતમાં જામનગર ખાતે વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી કોમ્પલેક્સ ઊભું કરવામાં તેમણે મહત્વની ભૂમિકા અદા કરી હતી. સરળતાથી જમીન સંપાદન કરવા ઉપરાંત શ્રી નથવાણીએ RILના પેટ્રોલિયમ રિટેલ આઉટલેટ્સ, રિટેલ સાહસો, ગેસ ટ્રાન્સપોર્ટેશન પાઇપલાઇન અને ભારતના પશ્ચિમી રાજ્યોમાં જિયો મોબાઇલ નેટવર્ક ઊભું કરવા માટેની માળખાગત સુવિધાઓ તૈયાર કરવાના પ્રોજેક્ટના અમલીકરણનું સુકાન સંભાળ્યું હતું.
યૌવનકાળથી જ જાહેર જીવન પ્રત્યે તેમને લગાવ રહ્યો છે. તેઓ સૌરાષ્ટ્રના સાંસદો-લોકપ્રતિનિધિઓ સાથે ગાઢ રીતે જોડાયેલા રહેતા અને એક સમયે તો તેમણે પોતાના વતન જામ ખંભાળિયાથી વિધાનસભાની ચૂંટણી લડવાનો પણ પ્રયાસ કર્યો હતો. લોકોના પ્રશ્નોને વિવિધ સ્તરે વાચા આપવાની તેમની ખેવનાના કારણે તેઓ 'વોઇસ ઓફ સૌરાષ્ટ્ર'ના હુલામણા નામે પણ જાણીતા છે.
ઝારખંડથી સતત બે ટર્મ (12 વર્ષ) રાજ્ય સભાના સભ્ય રહી ચૂકેલા શ્રી પરિમલ નથવાણી રાંચી અને ગ્રામીણ ઝારખંડમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં તેમણે કરેલા લોકોપયોગી કાર્યો તેનું એકમાત્ર કારણ છે. તેમણે સાંસદ તરીકે પોતાને મળતા ફંડ (MPLAD)નો 100 ટકા ઉપયોગ સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY), ગ્રામીણ માળખાગત સુવિધાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વગેરે માટે કર્યો હતો. SAGY અંતર્ગત તેમણે દત્તક લીધેલા ત્રણ ગામ બરમ જરાટોલી, ચુટ્ટુ અને બરવાડગમાં કરેલા વિકાસ કાર્યો રાજ્યમાં માત્ર વખણાયા જ નથી, પરંતુ તે અનુકરણીય પણ બની રહ્યા છે. 'ઝારખંડ મેરી કર્મભૂમિ (હિન્દી)' પુસ્તકમાં તેમણે ઝારખંડમાં કરેલા કાર્યોનો પરિચય મળે છે. ઝારખંડના વિકાસમાં તેમના યોગદાનનો પરિચય આપતું વધુ એક પુસ્તક 'એડોરેબલ એન્ડ એડમાયરેબલ પરિમલ નથવાણી' ટૂંક સમયમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, રાંચી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઓક્ટોબર 2019 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ના ઉપાધ્યક્ષ તરીકે સેવાઓ આપનારા શ્રી પરિમલ નથવાણીએ અમદાવાદ ખાતે તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ફેબ્રુઆરી 2020માં યોજાયેલા બહુચર્ચિત 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમનું સફળતાપૂર્વક નિરીક્ષણ અને અમલીકરણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને પાયાથી ઊભું કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમમાં એક લાખથી વધુ પ્રેક્ષકો ક્રિકેટ મેચનો આનંદ માણી શકે છે. GCAના પૂર્વ પ્રમુખ અને ભારતના ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અને ગાઢ સહયોગ સાથે શ્રી નથવાણીએ આટલા મોટા પ્રોજેક્ટને સફળતાપૂર્વક પાર પાડવાનું ભગીરથ કાર્ય સંપન્ન કર્યું છે.
શ્રી નથવાણીએ ગુજરાત સરકારના વિવિધ બિઝનેસ ડેલિગેશન્સના સભ્ય તરીકે ચીન, જાપાન, રશિયા, સાઉથ કોરિયા, સ્વિત્ઝર્લેન્ડ, યુગાન્ડા, કેન્યા, અસ્ત્રાખાન સહિતના ડઝનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે અને વાઇબ્રન્ટ ગુજરાત રોડ શોમાં ભાગ લીધો છે. તેના કારણે તેમને વિશ્વના બિઝનેસ લીડર્સ સાથે સંવાદ સાધવાની પણ તક સાંપડી હતી.
તેઓ સતત 15 વર્ષ સુધી ગુજરાતમાં આવેલા દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રહ્યા હતા. ગુજરાત સરકાર સાથે સાયુજ્ય સાધીને તેમણે રિલાયન્સના પ્રતિનિધિ તરીકે પવિત્ર નગરી દ્વારકાના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. દ્વારકા નગરી 'ચાર ધામ'માં તો સ્થાન ધરાવે જ છે સાથે સાથે વિશ્વના સૌથી પૌરાણિક ધર્મ સનાતન ધર્મના 'સપ્તપુરી' યાત્રાધામ તરીકે પણ પ્રસિદ્ધ છે. શ્રી નથવાણી સતત નવ વર્ષથી નાથદ્વારા મંદિર બોર્ડના પણ સભ્ય છે - આ બોર્ડ રાજસ્થાનમાં આવેલા પુષ્ટિ માર્ગીય શ્રીનાથજી મંદિરના વહીવટનો કાર્યભાર સંભાળે છે.
વર્ષ 2019ના ઉત્તરાર્ધમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)માં અધ્યક્ષ તરીકે શ્રી નથવાણી ચુંટાતા ગુજરાતમાં ફૂટબોલની રમતને વેગ મળ્યો છે. તેઓ ગુજરાતમાં મક્કમતાથી ફૂટબોલની રમતનો પાયાના સ્તરથી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.
શ્રી પરિમલ નથવાણી વન્યજીવન માટે ખૂબ જ ઉત્સાહી છે, ખાસ કરીને ગીરના સિંહો માટે. વિશ્વમાં એકમાત્ર ગીરમાં જ જોવા મળતાં એશિયાટિક સિંહોના જતન અને સંવર્ધન માટે તેમણે ઘણા કાર્યો કર્યા છે. એશિયાટિક સિંહોનું જાજરમાન ગૌરવ દુનિયા સાથે વહેંચવા માટે તેમણે 'ગીર લાયનઃ પ્રાઇડ ઓફ ગુજરાત' નામે એક સમૃદ્ધ પુસ્તક પણ તૈયાર કરાવ્યું છે.
YSR કોંગ્રેસ પાર્ટીના સભ્ય તરીકે રાજ્ય સભામાંથી ચુંટાઈ આવ્યા બાદ તેમણે કહ્યું હતું કે, "હું આંધ્ર પ્રદેશના લોકોની સેવા કરવા માટે સમર્પિત છું." એ સાથે જ તેઓ ઝારખંડ અને ત્યાં લોકો સાથે પોતાનું જોડાણ અને સંપર્ક જીવંત રાખી રહ્યા છે કારણ કે તેમની સાથે તેઓ એક અલગ જ લાગણીના તાંતણે બંધાઈ ગયા છે. મો.૮૧૪૧૮૪૪૪૦૦.
Comments
Post a Comment