આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "રાષ્ટ્રીય બાલિકા દિવસ"ની ઉજવણી કરવામાં આવી
જામનગર તા.૨૫ જાન્યુઆરી, સમગ્ર દેશમાં "રાષ્ટ્રીય બાલિકા દિવસ"ની ઉજવણી કરવામાં આવેલ છે. ત્યારે જામનગર ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના કાલાવડ અને લાલપુરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં જન્મેલી દીકરીઓને "દીકરી વધામણાં કીટ"નું વિતરણ કરવામાં આવ્યું હતું અને વ્હાલી દીકરી યોજનાના અરજી પત્રકો આપવામાં આવ્યા હતાં. ઉપરાંત બાળ વિકાસ યોજના અધિકારી કાલાવડની કચેરી ખાતે "વ્હાલી દીકરી યોજના"નાં લાભાર્થીઓને હુકમનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. કચેરી જિલ્લા પંચાયત જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગર તાલુકાના નારણપર ગામે "બેટી બચાઓ બેટી પઢાઓ" ની થીમ પર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કિશોરીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન, આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ, પૂર્ણા શક્તિના પેકેટના ઉપયોગ અને તેમાંથી બનતી વિવિધ વાનગીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કિશોરીઓને પર્સનલ હાઇઝીન કીટનું વિતરણ કરી અંગત સ્વચ્છતા અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે દીકરીઓના જન્મને આવકારવા તેમજ તેમના રક્ષણ અને તેમને સમાન અધિકારો આપવા માટેના શપથ લેવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમોમાં જામનગરના તાલુકા વિકાસ અધિકારી શ્રી નીતીન સરવૈયા, દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગર, બાળ વિકાસ યોજના અધિકારી ગીતાબેન મારવાણીયા, મહિલા શક્તિ કેન્દ્રના મહિલા કલ્યાણ અધિકારી રૂકસાદબેન ગજણ, વિસ્તરણ અધિકારી ચંદુભાઈ ભંડેરી, બાળ વિકાસ યોજના અધિકારી શિલાબેન કુંભારાણા, સામુદાયિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો.દુબે, આઈ.સી.ડી.એસ.ના કર્મચારીઓ અને લાભાર્થીઓ, આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનો તથા ગામની કિશોરીઓ જોડાયા હતા.
Comments
Post a Comment