નવા નોંધાયેલા યુવા મતદારો તેના મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરી દેશના જવાબદાર નાગરિકો બને...કોમોડોર ગૌતમ મારવાહા
જામનગર ખાતે ૧૨મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
જામનગર તા. ૨૫ જાન્યુઆરી, જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના સભાખંડમાં કોમોડોર શ્રી ગૌતમ મારવાહા, કમાન્ડીંગ ઓફીસરશ્રી, આઈ.એન.એસ. વાલસુરાની અધ્યક્ષતામાં ૧રમા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રેરક પ્રવચન કરતા કોમોડોર ગૌતમ મારવાહાએ જણાવ્યુ કે, ભારતની લોકશાહીને વિશ્વની સૌથી મોટી અને સૌથી સફળ લોકશાહી છે અને તેના માટે જવાબદાર તમામ પરિબળોમાં સૌથી વધુ શ્રેય આપણા ભારતીય ચૂંટણી પંચને જાય છે. તેમજ નવા નોંધાયેલા યુવા મતદારો અપિલ કરી કે તેઓ તેમને મળેલા મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરી દેશના જવાબદાર નાગરિકો બને. તેમજ ઇલેક્શનની કામગીરીમાં સહભાગી થનાર દરેક કર્મચારીને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે કલેકટરશ્રી ડો.સૌરભ પારધીએ ભારતીય ચૂંટણી પંચની કામગીરી તથા આજના આધુનિક યુગમાં અલગ અલગ ચૂંટણી પ્રક્રિયા માટે બનાવવામાં આવેલ વિવિધ એપ્લિકેશન્સની માહિતી આપી. જણાવ્યું હતું કે, ગત ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૨માં કુલ ૭૭,૦૦૦ ફોર્મસ મળેલા હતા જે પૈકી ઓફલાઈન કરતા ઓનલાઈન માધ્યમોથી વધુ ફોર્મસ મળ્યા હતા, જેમાં nvsp.in, voterportal.eci.gov.in તથા VOTER HELPLINE એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશન મારફત ઓનલાઈન અરજીઓ મળેલી હતી. ખાસ તો આ વખતના રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ એટલે કે 'ચૂંટણી વ્યવસ્થાપન મંત્ર, સમાવિષ્ટ, સુગમ અને સહભાગી' જે મુજબ તમામ ચૂંટણી પ્રક્રિયામાં સમાજના તમામ વર્ગના લોકોને સમાવિષ્ટ કરી, સહભાગી બનાવી સુગમતાથી તમામ પ્રક્રિયા થાય એ માટે જ વ્યવસ્થાપન તંત્રનો એકમાત્ર પ્રયાસ રહે છે.
કાર્યક્રમમાં નવા મતદારોનું તથા ચૂંટણીલક્ષી કામગીરી સારી કરનાર કર્મીઓનું પણ સન્માન કરાયું હતું. ઉપસ્થિત સૌએ એક જવાબદાર મતદાર તરીકે પોતાની ફરજ અદા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે જામનગર મ્યુનિસીપલ કમિશ્નરશ્રી વિજય ખરાડી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.એ.પંડયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિકેશકુમાર કે. ઉપાધ્યાય, પ્રાંત અધિકારીશ્રી અક્ષય બુડાનિયા, આસ્થા ડાંગર, નિલાક્ષ મકવાણા નવા મતદારો પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નહેરુ યુવા કેન્દ્ર, એન.સી.સી., એન.એસ.એસ.ના સ્વયંસેવકો, જિલ્લાના તમામ તલાટી મંત્રી તથા પ્રાથમિક શિક્ષકો, સાથી મંડળોના સભ્યો તેમજ જાગૃત નાગરિકો ફેસબુક લાઈવ તથા યુ-ટયુબ લાઈવ માધ્યમોથી ઓનલાઈન જોડાયા હતા.
Comments
Post a Comment